Thursday, 31 March, 2011

મારે ફરી એકવાર શાળાએ જવું છે.


દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. 
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,  
સુંદર અક્ષરે મારું નામ લખવું છે. 
મારે ફરી એકવાર શાળાએ જવું છે.....

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. 
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી... 
મરચુ મીઠું ભભરાવેલ ,  
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. 
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,  
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,  
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,  
અનપેક્ષીત રજાના આનંદ માટે... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે.....

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,  
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. 
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,  
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. 
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના 
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે. 
તો ભાગી જવાની મોજ અનુભવવા... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે....

દીવાળીના વેકેશનની રાહ જોતાં ,  
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. 
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,  
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. 
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,  
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. 
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે....

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,  
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે. 
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,  
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. 
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે. 
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ 
અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. 
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે....

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું... 
આજે જયારે મોટો થયો છે કે 
"તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા 
"તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા.. 
આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા શાળા માં 
શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું... 
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરીને 
જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ 
આજે "પીઝા" મા નથી આવતો... 
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે ....
                                     
          -  પ્રદિ૫સિંહ ઝાલા(બી.આર.સી.-કોડીનાર)તરફથી મળેલ ઇમેલ માંથી સાભાર

Wednesday, 9 March, 2011

પ્રભુને પ્રાર્થના

રોજેરોજ હું પ્રાર્થના કરું છું
હે ભગવાન,
જે કામ કરવાની મારી ઈચ્છા હોય, તે કામ
કરવા માટે મને ફરી શક્તિ આપો.

'શા માટે ?' – એમ પૂછ્યા વિના આજ્ઞાધીનપણે નમવાની,
સત્યને ચાહવા ને સ્વીકારવાની
અને જૂઠાણાને ધુત્કારી કાઢવાની
ટાઢીહિમ દુનિયા સામે
આંખમાં આંખ માંડીને જોવાની

સ્પર્ધામાં
જેઓ મારાથી આગળ નીકળી જાય

તેમને માટે આનંદ મનાવવાની
મારો બોજો આનંદથી, ભય વિના ઉપાડવાની
અને જેમને મારી મદદની જરૂર હોય
તેમના ભણી હાથ લંબાવવાની,

હું
શું છુંતેનું માપ

હું શું આપું છું તેના પરથી કાઢવાની
મને શક્તિ આપો, ભગવાન !
જેથી હું સાચી રીતે જીવી શકું.
 
- અજ્ઞાત

એક પ્રયાસ

અમે અમારી શાળાને ઇ-વિશ્વ સાથે જોડવાનો પ્રયાસ આ બ્લોગ દ્રારા કરીએ છીએ. સમયાંતરે શાળાની ગતિવિઘીઓને અહીં સાંકળતા રહીશું.
                             અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે પ્રાથમિક શાળાને ઉ૫યોગી થાય તેવા કેટલાંક ૫રિ૫ત્રો,મુખ૫ત્રો, અન્ય ડોકયમેન્ટસ વગેરેનું કલેકશન https://sites.google.com/site/malshram/ ૫ર કરેલ છે. તો આ૫ સૌ તેનો ઉ૫યોગ કરી શકો છો.